મારો સંદેશ

કેમ છો સાહિત્ય રસિક મિત્રો?

આશા રાખું છું ખૂબ મજામાં હશો.

મારા આ સાહિત્ય અને શિક્ષણ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં તમને શિક્ષણ અને સાહિત્ય વિશે ઘણું બધું જાણવા અને વાંચવા મળશે. આશા રાખું છું કે આપીને આ બ્લોગ ગમશે. 

    આજથી આઠ વર્ષ પહેલા મેં બાળ સાહિત્ય વિશે ચિંતન અને મંથન કર્યું હતું. બાળ સાહિત્યના ઉતાર-ચઢાવ અને ગતિ-અધોગતિ વિશે ઘણું વિચાર્યા બાદ મને બાળ સાહિત્ય જગતમાં ડૂબકી લગાવવાની ઈચ્છા થઈ. આજે આ ડૂબકી એટલી બધી ઊંડાણમાં પહોંચી ગઈ છે કે હું બાળ સાહિત્ય સમા સાગરના તળિયે પહોંચી ગયો છું. બાળ સાહિત્ય હમેંશા ઉપેક્ષિત સાહિત્ય રહ્યું છે તેથી જ આજે બાળ સાહિત્યકારોની સંખ્યા પણ આગળીના વેઢે ગણાય એટલી છે. છતાં પણ મેં બાળ સાહિત્યમાં દૂર-દૂર સુધી ખેડાણ કર્યું છે અને ખૂબ જ ઊંડાણપૂર્વકનું અધ્યયન કર્યું છે. આજે લગભગ બાળસાહિત્યના તમામ પ્રકારોમાં હું નજર ફેરવી ચુક્યો છું. 

       બાળ સાહિત્ય લખતા પહેલા લેખકે બાળકનો રસ, ઈચ્છા, કલ્પના, મનોભાવ, બાળમાનસ અને બાલ સહજ આનંદ ને ધ્યાનમાં લેવું પડે છે. એક બાળ લેખકે બાળ સાહિત્ય લખતા પહેલા પોતે બાળક બની જવું પડે અને બાળ દુનિયામાં લાંબો સફર કરવો પડે છે. બાળ લેખકે બાલવિશ્વના શબ્દો અને પ્રસંગો તેમજ બાળકની ભાવનાઓ, લાગણીઓ અને કલ્પનાઓને ઓળખવી અને જાણવી પડે ત્યારબાદ પોતાની સાહિત્યિક કૃતિઓમાં સમજી-વિચારીને પ્રસંગ, સ્થાન, સમય અને સંજોગને ધ્યાનમાં રાખી ઉમેરવી પડે. 

      મારા બાળ સાહિત્યના લેખન પ્રવાસમાં મારૂ આ પુસ્તક પ્રકાશિત કર્યા પહેલા મેં એક સહિયારું બાળગીત પુસ્તક 'ટમટમ તારલિયા' માં મારા બાળગીતો પ્રકાશિત કર્યા છે. 

ઉપરાંત એક સહિયારું બાળગીત પુસ્તક 'અલપ ઝલપ બાળગીતો' અને એક સહિયારું બાળવાર્તા પુસ્તક 'ઉગતો સુરજ' એમ બે પુસ્તકોનું સંપાદન અને સંકલન કાર્ય કર્યું છે, જેમાં મારા 'બાળ સાહિત્યકાર ગ્રુપ' ના કુલ ચોવીસ બાળ લેખકો એ સ્વરચિત બાળ સાહિત્યની પધ અને ગદ્ય રચનાઓ પ્રકાશિત કરેલ છે. અમુક લોકો કહે છે કે "ગુજરાતી બાળ સાહિત્ય લખવું એકદમ સરળ છે." પણ ખરેખર જ્યારે તમે બાળ સાહિત્યમાં ઊંડા ઉતરશો અને તેમાં રસ લેશો તો તમને ખ્યાલ આવશે કે બાળ સાહિત્ય લખવું ખરેખર કેટલું અઘરું છે. 

દરેક લેખકની ઇચ્છા હોય છે કે તે જે રચનાઓ લખે તેનું એક પુસ્તક બને અને છપાઈને પ્રકાશિત થાય. લોકો તે પુસ્તકને ખરીદે અને વાંચે. પોતાના વિચારો લોકો સુધી પહોંચે. લેખકને પ્રસિદ્ધિ મળે, નામ થાય અને પ્રતિભામાં વધારો થાય. પણ હાલની પરિસ્થિતિ મુજબ પુસ્તક પ્રકાશિત કરવામાં એક લેખકને ઘણો બધો ખર્ચો થતો હોય છે. મોટાભાગના લેખકોને આ પોસાતું નથી. કારણ કે સામે એવા વાંચકો મળતા નથી. આજના મોબાઈલ યુગમાં તેમના પુસ્તકો એટલા વેચાતા પણ નથી. સરકાર પણ એટલી સહાય આપતી નથી કે લેખકનો બધો ખર્ચ સરભર થાય. આથી લેખકને આ કામમાં ખુબ મોટી ખોટ ખાવી પડે છે. તેના કારણે બાળ સાહિત્યનો વિકાસ, પ્રચાર અને પ્રસાર અટકી રહ્યો છે.

        આ સમસ્યા જાણ્યા બાદ મેં પોતે એક પ્રકાશન ચાલુ કર્યું જેનું નામ 'તથાગત પ્રકાશન' રાખ્યું. આ પ્રકાશન POD (Print on Demand) ના આધારે કામ આપે છે. મતલબ, લેખક પોતાની જરૂરિયાત મુજબ તેમને જેટલી અને જ્યારે પુસ્તકો છપાવવા હોય તેટલાં અને ત્યારે છપાવી શકે અને તેટલાં જ પુસ્તકોના પૈસા લેખકે ચૂકવવાના રહે છે. સાથે સાથે લેખકને પોતાની કોપી ઘરે બેઠા જ પોસ્ટ/કુરિયર દ્વારા મળી જાય છે. આ કામ લેખકને આર્થિક રીતે ખુબ જ સારું અને સસ્તું પડે છે. આ પ્રકાશન એ લેખકને પોતાની રચના પ્રકાશિત કરવાનું સૌથી સરળ, ઝડપી, સસ્તું અને શ્રેષ્ઠ માધ્યમ છે. પુસ્તક પ્રકાશનનો 'ઉગતો સૂરજ' એટલે 'તથાગત પ્રકાશન'.

       મારા આ બ્લોગને વધુ ને વધુ ફેલાવો તેવી આશા સહ આભાર.

આપનો ભવદીય

ફાલ્ગુન કુમાર 'તથાગત'



No comments:

Post a Comment