બાળનાટક

બાળનાટક : લૉકડાઉન લેખકની કલમે થી...... મિત્રો, અત્યારે કોરોના વાઇરસ દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. આપણા દેશમાં અમુક શહેરોમાં અમુક સમય માટે લૉકડાઉન છે છતાં ઘણા લોકો પોતાના ઘરમાં રહેવાને બદલે કારણ વગર બહાર નીકળે છે, પોલીસના ડંડા ખાય છે, કોરોનાનો ચેપ લગાડે છે અને આ મહામારીને ફેલાવે છે. આપણે લૉક ડાઉનનું પાલન કરવાનું છે અને કોરોનાનો નાશ કરવાનો છે. તો મિત્રો, આવો આપણે એક હાશ્યાત્મક અને સામાજિક નાટક જોઈએ જેમાં બે મિત્રો લૉક ડાઉનનો ભંગ કરી કઈ રીતે કોરોના પોઝીટીવ બને છે. લેખક: ફાલ્ગુન પુરાણી (૯૮૯૮૭૧૭૩૩૫) નાટકના પાત્રો: બુધિયો, બુધિયાના પપ્પા, લાલિયો, લાલીયાના મમ્મી, જીગલો, ડોક્ટર, પોલીસ પ્રસ્તાવના: આનંદ નગરમાં બુધિયો અને લાલિયો બે પાક્કા મિત્રો રહે છે. તેઓ લૉક ડાઉન હોવા છતાં ઘરની બહાર નીકળે છે અને કોરોના વાઇરસના દર્દી બને છે. ચિત્ર: ૧, સ્થળ: ડૉ. આંબેડકર ચોક - આનંદ નગર, સમય: બપોર ૧ વાગ્યા (બુધિયો ઘરમાં બેઠો છે અને ઘરની બારીમાંથી કોઈ આવતું-જતું હોય તો તેને માવો માંગતો હોય છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે..... મેરે હાલાત ઐસે હૈ કી મેં કુછ કહ નહી શકતા....થોડી વાર બાદ કંટાળીને લાલિયાને ફોન કરે છે. ) (બુધિયો અને લાલિયાનો ફોન પર વાર્તાલાપ) બુધિયો: હેલો....હેલો........લાલિયા. લાલિયો: હા....બોલ બુધિયા. બુધિયો: લાલીયા શું કરે છે? ચાલ ને કંઇક ફરવા જઈએ. લાલિયો: હવે ઘેર મરને ! તને ખબર નથી લૉક ડાઉન છે. બુધિયો: અલ્યા....જોરદાર કંટાળી ગયો છું. લાલિયો: તો શું? છાનોમાનો ઘરમાં પડી રે ને ! હું પણ કંટાળ્યો છું પણ મારા ઘરમાં છું. બુધિયા: સારું, તો તુ માવાનો બંદોબસ કરી આપ. લાલિયો: ડફોળ, તને ખબર તો છે લૉક ડાઉનમાં માવા મળવા મુશ્કેલ છે, થોડો કંટ્રોલ કર. બુધિયા: પણ...ક્યાં સુધી કંટ્રોલ કરવાનો? હવે નહી રહેવાય માવા વગર. લાલિયો: તો શું કરીશું? મને પણ માવાની બહુ તલપ લાગી છે. બુધિયો: એક આઇડયા છે મારી જોડે. લાલિયો: તારો આઈડયા કામ ન લાગ્યો અને પોલીસના હાથમાં આવી ગયા તો આપણે નીચે બેસવા લાયક નહી રહીએ. બુધિયો: ચલ...ડરપોક, માવો ખાવો હોય તો માર ખાવાની તૈયારી રાખવી પડે. લાલિયો: પણ માવો લાવીશું ક્યાંથી? બુધિયો: પેલો.... આપણો દોસ્તાર છે ને જીગલો, લાલિયો: હાં..... બુધિયો: મને એવું જાણવા મળ્યું છે કે એના બાપા ઘરમાં ખાનગી રીતે માવા વેચે છે. લાલિયો: શું વાત કરે છે ! આવા સરસ સમાચાર તું ક્યાંથી લાવ્યો? બુધિયો: એ તું જવાદે ને ! તું માવો ખાવાનું વિચાર, બીજું બધું તેલ પીવા ગયું. લાલિયો: પણ..... એ જીગલાનો બાપો આટલા બધા માવા ક્યાંથી લાવ્યો? બુધિયો: જો લાલિયા, માવા વેચવા વાળા અને ખાવા વાળા તો માવો ગમે ત્યાંથી શોધી લાવે. લાલિયો: પણ એતો સરદાર ચોકમાં રહે છે, ત્યાં સુધી આપણે કેમના જઈશું? બુધિયો: હાલી ને.... હાલીને જતા હોઈએ ને પોલીસની ગાડી આવે તો દોડીને કોઈના ઘરમાં ઘુસી જવાય ને. લાલિયો: સારું, ચલ જઈએ, તું ડૉ. આંબેડકરના પુતળા પાસે આવી જા. બુધિયો: સારું તો મળીએ. (બુધિયો અને લાલિયો ડૉ. આંબેડકરના પુતળા પાસે મળે છે અને ચોરીછૂપે સરદાર ચોકમાં જીગલાનાં ઘરે માવો લેવા જવા નીકળે છે.) ચિત્ર: ૨, સ્થળ: સરદાર ચોક - આનંદ નગર, સમય: બપોરે ૨ વાગ્યા બુધિયો: (જીગલાને ફોન કરે છે.) હેલો..... હેલો...... જીગલા. જીગલો: હાં બોલ, બુધિયા. બુધિયો: અલ્યા.... તારો બાપો માવા વેચે છે એવું મેં જાણ્યું. જીગલો: હાં...લ્યા, પણ ખાનગી રાખજે કોઈને કહેતો નહીં, નહીં તો બધા માવા વગરના રહેશે. બુધિયો: તો હું અને લાલિયો તારા ઘરની નીચે ઉભા છે, ૧૦ માવા લઈને આવી જા. જીગલો: અલ્યા ડફોળો, તમે ક્યારથી માવા ખાતા થઇ ગયા? બુધિયો: ઓ... ગાંધીવાદી, મારા બાપા રોજના ૧૦ માવા ખાય છે તો શું હું એક ના ખાઉં, ચૂપચાપ માવો આપીજા. જીગલો: પણ...... ૧૦ માવાનાં ૨૦૦ રૂપિયા થશે. બુધિયા: તારે જે લેવું હોય એ લઇ લેજે પણ જલ્દી માવા આપી જા, હવે માવા વગર નહી ચાલે. (જીગલો ૧૦ માવા લઈને બુધિયા અને લાલીયાને આપી જાય છે અને ત્રણેય મિત્રો છુટા પડે છે.) ચિત્ર: ૩, સ્થળ: સરદાર ચોકથી આંબેડકર ચોક તરફ જતા રસ્તા પર, સમય: બપોરે ૨ વાગ્યા (પોલીસની ગાડીનું સાયરન વાગે છે, ટો....ણો.... ટો....ણો.... ટો....ણો.... ટો....ણો....) બુધિયો: અરે.... પોલીસ આવતી હોય એમ લાગે છે. લાલિયો: આવતી હોય એમ નહી, આવી જ ગઈ, પાછળ જો પેલો પી.આઈ જાડેજા ગાડીમાં બેઠો છે. બુધિયો: લાલિયા.... ભાગ, નહી તો આજે આપણી લાલ થઇ જશે. લાલિયો: શું તંબુરો ભાગ ! આગળ પણ પોલીસ ઉભી છે. બુધિયો: જો લાલિયા, આજે આપણે પોલીસના હાથમાં આવ્યા તો આપણી ઉપર કલમ ૧૪૪ લાગુ પડશે જેમાં ૨ વર્ષની જેલ અથવા ૧૦,૦૦૦ રૂપિયા દંડ લાગુ પડશે. (બુધિયો અને લાલિયો ભાગ્યા પણ પોલીસે ઝડપી લીધા અને ઊંધા પાડીને પાછળ પાંચ-પાંચ ડંડા ઠોક્યા.) પોલીસ: એય...ક્યા દોડો છો? ઉભા રહો..... ઉભા રહો. (પોલીસ બંનેને પકડે છે.) પોલીસ: ક્યા રખડવા નીકળ્યા છો? તમને ખબર નથી લૉક ડાઉન છે. બુધિયો: સાહેબ, એતો....એતો.... અમે.... (પોલીસ ફટ કરતા બે દંડા બુધિયાને ફટકારે છે.) બુધિયો: ઓ...માં...ઓ......માં....(રડતા-રડતા) પોલીસ: તું બોલ લ્યા, ક્યા મરવા નીકળ્યા છો? લાલિયો: સાહેબ, અમે છે ને....છે ને..... (પોલીસ ફટ કરતા બે ડંડા લાલિયાને ફટકારે છે.) લાલિયો: ઓ....બાપા....ઓ....બાપા...... (રડતા-રડતા) બુધિયો: અમને છોડી દો.... અમને માફ કરો...... (રડતા-રડતા) લાલિયો: સાહેબ હવે નહી નીકળું ઘરની બહાર, જવા દો અમને. (રડતા-રડતા) પોલીસ: સાલાઓ...રખડુઓ... મોદીજીએ ના પાડી છે ને, તોય કેમ બહાર નીકળ્યા? લાલિયો: સાહેબ, મેં ના પાડીતી તોયે આ બુધિયો મને માવો લેવા માટે બહાર લાવ્યો. (રડતા-રડતા) બુધિયો: ના... સાહેબ, મારે એકલાને માવા નહતા ખાવા એને પણ ખાવા હતાં. (રડતા-રડતા) પોલીસ: અરે..... મુર્ખાઓ, અત્યારે કોરોના વાઈરસનું સંક્રમણ વધી ગયું છે અને તેમાય તમે મોઢે માસ્ક પહેર્યા વગર બહાર ફરો છો. પોલીસ: તમને ખબર નથી પડતી તમને કોરોનાનો ચેપ લાગી જશે તો તમારૂ અને તમારા પરિવારનું શું થશે. બુધિયો: સાહેબ.... મહેબાની કરી અમને છોડી દો, અમે માવા નહી ખાઈએ. (રડતા-રડતા) પોલીસ: નાલાયકો, તમે આટલી નાની ઉંમરે માવા ખાઓ છો, શરમ નથી આવતી તમને? લાલિયો: સાહેબ, હવે ઘરની બહાર નહી નીકળીએ અને માવા પણ નહી ખાઈએ, અમને જવાદો. (રડતા-રડતા) પોલીસ: ઓકે...ઓકે...પણ હજુ તમારે ૫૦ ઉઠક-બેઠક કરવાની છે, પછી જ તમને જવા દઈશ. (૫૦ ઉઠ-બેસ કરાવી પોલીસ બુધિયા અને લાલિયાને છોડી દે છે. બંને પોતપોતાના ઘરે જાય છે અને બીજા દિવસે સવારે ફરી મળે છે. ) ચિત્ર: ૩, સ્થળ: ડૉ. આંબેડકરના પૂતળા પાસે, સમય: સવારે ૯ વાગ્યે બુધિયો: લાલિયા, કાલે તો ખરું થયું આપણી જોડે. લાલિયો: હા....બુધિયા, માલ ખાયા કુછ નહી ઔર માર ખાયા ઢેરસારા. બુધિયો: લાલિયા, નીચે બેસાતું નથી એટલા જોરદાર ડંડા માર્યા છે પોલીસે. લાલિયા: બુધિયા, મારી તો બહુ ખરાબ હાલત થઇ છે. બેસું છું તો ઉભું નથી થવાતું અને ઉભો થાઉં છું તો બેસાતું નથી. બુધિયો: આપણા ૨૦૦ રૂપિયા ગયા અને ૧૦ માવા પણ ગયા. લાલિયો: હા... યાર, ખાયા પિયા કુછ નહી ઔર ગ્લાસ તોડા બાર આના. બુધિયો: પણ લાલિયા, હવે તો મારે માવો પણ નથી ખાવો અને બહાર પણ નીકળવું નથી. લાલિયો: હા... બુધિયા, મારે પણ કશું નથી ખાવું અને બહાર નથી નીકળવું. બુધિયો: તો મિત્ર, આપણે હવે સીધા લૉક ડાઉન ખુલે પછી જ મળીશું. લાલિયો: સારું.... દોસ્ત. તારો ખ્યાલ રાખજે, ગુડ બાય ! બુધિયો: તું પણ તારો ખ્યાલ રાખજે. ગુડ બાય ! ગુડ બાય ! (બુધિયો અને લાલિયો પોલીસનો માર ખાધા બાદ પોતાના ઘરમાં બેસી રહે છે, ફક્ત ફોન પર વાતો કરે છે અને ઘરે ટી.વી જોઇને ટાઈમપાસ કરે છે.) (ઘરની બહાર નીકળ્યાના ૧૩ દિવસ બાદ બુધિયાને શરદી, ખાંસી અને તાવ આવે છે.) ચિત્ર: ૪, સ્થળ: બુધિયાનું ઘર - લાલિયાનું ઘર, સમય: સાંજે ૬ વાગ્યે (બુધિયો અને લાલિયાનો ફોન પર વાર્તાલાપ) બુધિયો: હેલ્લો....લાલિયા, હેલ્લો.....! લાલિયો: અલ્યા બુધિયા...બોલ, શું થયું? બુધિયો: અલ્યા મને તો બુધિયાને શરદી, ખાંસી અને તાવ આવ્યો છે. લાલિયો: આયહાય....કોરોના ! બુધિયો: મૂંગો મરને....લાલિયા, મને શું કામ કોરોના થાય. લાલિયો: તો તું દવા લાવ્યો? બુધિયો: હા....પણ દવા અસર નથી કરતી, કઈ ફરક નથી પડતો. લાલિયો: મને પણ તાવ જેવું છે આજે. બુધિયો: તો તું દવા લાવીને ઘરે આરામ કર અને પોતાનું ધ્યાન રાખજે. લાલિયો: તું પણ બુધિયા તારું ધ્યાન રાખજે. બુધિયો: સારું...આવજે ! લાલિયો: આવજે....આવજે....! (૧૪ માં દિવસે બુધિયાને શરદી, ખાંસી અને તાવ ખુબ વધી જાય છે અને તેને હોસ્પિટલમાં લઇ જાય છે.) ચિત્ર: ૫, સ્થળ: મહાત્મા ગાંધી હોસ્પિટલ - આનંદ નગર, સમય: સવારે ૯ વાગ્યા ડોક્ટર: બુધિયાના વાલી કોણ છે? બુધિયાના પપ્પા: હાં... ડૉ. સાહેબ. ડોક્ટર: તમારા પુત્રનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. બુધિયાના પપ્પા: શું વાત કરો છો ડૉ. સાહેબ ! ડોક્ટર: તમારો બુધિયો આજથી ૧૩ દિવસ પહેલા કોઈ કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે એટલે તેને પણ ચેપ લાગ્યો છે. બુધિયાના પપ્પા: હે..... ભગવાન ! હવે શું થશે મારા બુધિયાનું? (રડતા-રડતા) ડોક્ટર: તમારા બુધિયાને અઈસોલેટેડ વોર્ડમાં લઇ જઈએ છે અને તમારા ઘરના બધા સભ્યોને હોમ ક્વોરનટાઇન થવું પડશે. બુધિયાના પપ્પા: આ બુધિયાને બહાર નીકળવાની ના પડી હતી, તોયે એ બહાર નીકળ્યો અને કોરોનાને ઘરમાં લાવ્યો. (રડતા-રડતા) (થોડી વાર બાદ લાલિયાને પણ શરદી, ખાંસી અને તાવ વધી જાય છે, તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેને તુરંત જ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ) ડોક્ટર: લાલિયાના વાલી કોણ છે? લાલીયાના મમ્મી: હું લાલીયાની મમ્મી છું ડૉ. સાહેબ. ડોક્ટર: તમારો પુત્ર કોઈ કોરોના પોઝીટીવ વ્યક્તિથી સંક્રમિત થયો છે. લાલીયાના મમ્મી: શું કહો છો સાહેબ, મને કઈ ખબર ન પડી. ડોક્ટર: તમારા પુત્રનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. લાલીયાના મમ્મી: હે....શું વાત કરો છો સાહેબ ! ના હોય... ના હોય.....! (રડતા-રડતા) ડોક્ટર: તમારો લાલિયો આજથી ૧૩ દિવસ પહેલા કોઈ કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે એટલે તેના શરીરમાં આ વાઇરસ પ્રવેશ્યો છે. લાલીયાના મમ્મી: હાય રામ....મારો લાલિયો....મારો લાલિયો. (રડતા-રડતા) ડોક્ટર: નર્સ, લાલીયાને અઈસોલેટેડ વોર્ડમાં લઇ જાઓ. ડોક્ટર: બહેનજી, તમને અને તમારા ઘરના બધા સભ્યોને હોમ ક્વોરનટાઇન થવું પડશે. તો ૧૪ દિવસ સુધી ઘરની બહાર નીકળશો નહી. લાલીયાના મમ્મી: સાહેબ... મારા લાલીયાને આ રોગ મટાડી દેજો. (રડતા-રડતા) બુધિયાના પપ્પા: હાં સાહેબ, મહેબાની કરી અમારા છોકરાઓને સાજા કરી દેજો. (રડતા-રડતા) ડોક્ટર: લૉક ડાઉન હોવા છતાં તમારા બંને છોકરાઓ કોઈ કોરોના વાળા વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને આ બીમારી તમારા ઘરમાં લાવ્યા. લાલીયાના મમ્મી: સાહેબ એ બુધિયા જોડે એક વાર બજારમાં ગયો હતો. બુધિયાના પપ્પા: હાં.... બુધિયાએ મને કીધુ હતુ કે હું અને લાલિયો મારા મિત્ર જીગલાને મળવા જઈએ છે. ડોક્ટર: સરદાર ચોકમાં રહે છે એ જીગલો? લાલીયાની મમ્મી: હાં એ જ. ડોક્ટર: ઓહ માય ગોડ ! એ જીગલો તો કોરોના પોઝીટીવ છે અને બાજુના અઈસોલેટેડ વોર્ડમાં તેની સારવાર ચાલુ છે. બુધિયાના પપ્પા: તો આ જીગલા એ જ અમારા છોકરાને કોરોનાનો ચેપ લગાડ્યો. ડોક્ટર: ના....નાં.... એ જીગલા એ નહી પણ તમારા છોકરાઓ પોતેજ બેજવાબદાર છે. જીગલા એ તમારા છોકરાઓને ન્હોતા બોલાવ્યા તમારા છોકરાઓ એની પાસે ગયા હતાં. ડોક્ટર: લોક ડાઉનનો ભંગ કરવો એ કાનૂની ગુનો છે અને મોતને આમંત્રણ છે. બધા ઘરે રહો, સુરક્ષિત રહો. ઉપસંહાર: ૨૦ દિવસ બાદ બુધિયો, લાલિયો અને જીગલો, ત્રણેય મિત્રો સાજા થઇ જાય છે અને ઘરે રજા મેળવે છે. તેઓ સપથ લે છે કે “અમે સરકારના નીતિ-નિયમો અને કાયદાઓનું પાલન કરીશું અને હમેંશા પોતાને સ્વસ્થ રાખીશું અને પોતના આંગણને સ્વચ્છ રાખીશું.” લેખકનો સંદેશ....... બુધિયો, લાલિયો અને જીગલો જેમ કોરોના ના કહેરમાં ફસાઈ ગયા તેમ તમે ન ફસાસો. આ કોરોના જીવલેણ વાઈરસ છે. સૌ પોતાના ઘરે રહો, સ્વચ્છ રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. “આવો આપણે સૌ કોરોના મુક્ત ભારતનો સંકલ્પ લઈએ.” પ્રમાણપત્ર : આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ બાળગીત/બાળવાર્તા/બાળનાટક એ સ્વરચિત અને મૌલિક રચના છે . આ રચના કોઈ પણ પ્રકાશક કે લેખક દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નથી. લી. ફાલ્ગુન પુરાણી

No comments:

Post a Comment